નકલી... નકલી... નકલી.... જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જ... થોડા સમયથી નકલી શબ્દ ઘણી બધી વખત સાંભળવામાં આવ્યો હશે કારણ કે અંબાજીમાં અપાતો મોહનથાળ તપાસ દરમિયાન ફેઈલ ગયો હતો. મોહનથાળમાં નકલી ઘી વાપરવામાં આવતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો હતો. ત્યારથી આ વાત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુ એક ફૂડ સેમ્પલ ફેલ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં વપરાતું ખાદ્યતેલ ફેલ ગયું છે. ભેળસેળ વાળું ભોજન અંદાજીત 22 હજાર જેટલા બાળકોને પીરસવામાં આવતું હતું.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયા હતા નમુના
સરકારી શાળામાં બાળકોને બપોરનું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. બાળકોને સારૂં ભોજન મળે તે આ યોજનાનો ઉપદેશ્ય હતો. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં અપાતું ભોજન ચર્ચામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા.
ભેળસેળ યુક્ત વાળુ ભોજન બાળકોને પીરસાય છે!
22 હજાર બાળકોને આ સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ નમૂના ફેઈલ ગયા છે. પોષણયુક્ત ભોજન બાળકોને મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની સરકારી શાળામાં ભેળસેળ યુક્ત ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેલના નમૂનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.
ભાવનગર મનપા દ્વારા કરાઈ આ કાર્યવાહી
મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્યતેલના ડબ્બાને સીઝ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ફેઈલ જતા ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
કોરોના સમયે લેવાયા હતા સેમ્પલ અને રિપોર્ટ છેક હવે આવ્યો!
ભાવનગરમાં 57 જેટલી સ્કૂલોને આ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ખાદ્યતેલના નમૂના ફેઈલ થયા છે જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નમૂના ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યા હતા. કોરોના સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હતી. આ ખાદ્યતેલનો ઉપયોગ બાળકોના ભોજનમાં કરવામાં નથી આવ્યો તેવી વાત તેમણે કહી હતી. મહત્વનું છે કે મનપા દ્વારા કોઈ દંડાત્મક પગલા લેવામાં આવશે કે પછી આ નજીવા દંડથી સંતોષ માને છે તે એક પ્રશ્ન છે.