રાજ્યમાં દારૂબંધીના કાયદાના લગભગ દરરોજ લીરેલીરા ઉડાડવામાં આવે છે. બુટલેગરો રાજ્યના કોઈ પણ શહેરમાં વિદેશી દારૂની હેરફેર કરી શકે તેટલા શક્તિશાળી બન્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં પણ રાજ્યમાં બેરોકટોક રીતે દારૂની હેરાફેરી થતી જ રહે છે. જેમ તે આજે ભાવનગરની નારી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ તરફથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કની ટાંકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1872 ટીન જપ્ત કર્યા હતા.
બાતમીના આધારે કાર્યવાહી
ભાવનગરની વરતેજ પોલીસને બાતમી મળી હતી કે એક ઓઈલ ટેન્કરમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં એક શખ્સને સોંપવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તે ઓઈલ ટેન્કરને નારી ચોકડી નજીક રોક્યું હતું, આ શંકાસ્પદ જી જે 02 એ ઝેડ- 9223 નંબરના ઓઈલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે ટેન્કરના ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ લોકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.