લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.. ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર લોકસભા પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. ઉમેશ મકવાણાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે આજે ચૈતર વસાવા નામાંકન દાખલ કરાવવા ગયા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હતા હાજર
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવાર દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૈતર વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા.
આ બેઠક પર જામવાનો છે ત્રિ-પાંખીયો જંગ
મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ભાજપે આ વખતે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે છોટુ વસાવાએ પણ ઉમેદવારને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે?