ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે દાવેદારી નોંધાવાના છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આજે નામાંકન દાખલ કરાવાના છે. ગઈકાલે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરાવ્યું હતું ત્યારે આજે ચૈતર વસાવા નામાંકન કરાવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે.
ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ
ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા સામાન્ય રીતે અનેક વખત થતી હોય છે. ઉમેદવારોના નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાતી હોય છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ છોટુ વસાવાની પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે. છોટુ વસાવાના દીકરા ચૂંટણી મેદાનમાં ઉતરશે.. ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચારની શરૂઆત કરી દીધી હતી.
લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા રાહતના સમાચાર
ચૈતર વસાવાના પ્રચારના અનેક વીડિયો સામે આવ્યા છે. લોકસભા ઈલેક્શન પહેલા ચૈતર વસાવાને એક રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે અને તે અંતર્ગત નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ કરી શકશે. મહત્વનું છે કે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. વનવિભાગના કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવાને જેલ થઈ, શરતી જામીન મળ્યા જે મુજબ તે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં.
શક્તિપ્રદર્શન કર્યા બાદ ચૈતર વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ
આ બાદ ધારાસભ્યને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાને કારણે પ્રચાર માટે ત્યાં જવું અને તે માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી મળે તે માટે અરજી કરવામાં આવી હતી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. મળતી માહિતી અનુસાર 12 જૂન સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે તેવી રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવાના છે.