ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જુથવાદ વકર્યો છે. ભાજપના નેતાઓ ટિકિટ માટે જે રીતે ખેંચતાણ કરી રહ્યા છે. અમરેલી વિધાનસભા સીટ માટે જે રીતે બાખડી રહ્યા છે તે જોતા ભાજપ આ ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીને પડકાર આપી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ બેઠક પર ધાનાણીને હરાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં ભાજપમાં અંદરો અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. આ બેઠક માટે કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીનું નામ લગભગ ફાઈનલ છે.
ભાજપમાંથી અનેક ટિકિટ વાંચ્છુઓ
અમરેલી સીટ માટે ભાજપના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ટિકિટ અપાવવા માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ મનાતા ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. અમરેલીમાં ડો. ભરત કાનાબાર વિશ્વાસુ નેતા છે, તેમની સર્વ સમાજના નેતા તરીકેની ઓળખ છે. તે ઉપરાંત કૌશિક વેકરિયા પણ લાઈનમાં છે, તેમને બાવકું ઉઘાડ અને પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે.