કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ આજે ફરીથી શરૂ થઈ ગઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી ભારત જોડો યાત્રાએ દિલ્લીમાં વિરામ બાદ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એએસ દુલત દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.
ભારત જોડો યાત્રામાં જોડાયા પ્રિયંકા ગાંધી
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાજિયાબાદના લોનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઈમેજને નુકસાન કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ રાહુલ ગાંધીએ તમામ આક્ષેપોનો સામનો કર્યો છે. ભારતના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા.
"મારા ભાઈને દેશનો કોઈ ઉદ્યોગપતિ નહીં ખરીદી શકે"
પ્રિયંકા ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ દેશના બધા નેતાને ખરીદી લીધા છે પણ મારા ભાઈને નથી ખરીદી શક્યા, કે નહીં ખરીદી શકે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રાના સ્વાગત સાથે તેમના ભાઈ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા કે મને મારા ભાઈ પર ગર્વ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાગપતથી થઈને માવીકલાં, સિસાના અને સરુસપુર જશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. હરિયાણામાં પહોંચ્યા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના વિસ્તારોમાંથી પસાર થશે.