કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસની આ યાત્રા રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની ટી-શર્ટ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે.
અમિત શાહના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા
પોતાનું અસ્તિત્વ ગુમાવતી કોંગ્રેસને ફરી બેઠુ કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રામાં ભારે જનમેદની જોવા મળી છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે રાજસ્થાનની સરકાર પર તેમજ ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કર્યા છે. શાહે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે.
રાજસ્થાન સરકાર પર શાહની ટિપ્પણી
રાજસ્થાનના પ્રવાસે ગયેલા શાહે રાજસ્થાન સરકારને પણ આડે હાથ લીધી હતી. રાજસ્થાન સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું છે 10 દિવસની અંદર ખેડૂતોની લોન માફ કરવાનું શું થયું? 3500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાનું શું થયું? 20 લાખ યુવાનોને રોજગાર આપવાનું શું થયું? કોંગ્રેસ માત્ર ઠાલા વચનો જ આપી શકે છે, વચનો પૂરા નહીં કરી શકે.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર વિકાસના કામો કરી શકે. તે સડકોનું નિર્માણ ન કરી શકે, વીજળી કે રોજગારી ન આપી શકે. કોંગ્રેસ વોટબેંકને ખુશ કરીને જ રાજકારણ કરી શકે છે. આજે રાજસ્થાનમાં જે પ્રકારની સરકાર ચાલી રહી છે તેનાથી આપણે સૌથી દુ:ખી છીએ.
રાહુલની ટી-શર્ટ બની છે ચર્ચાનો વિષય
લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી નાનીમાં નાની વાતને મોટો મુદ્દો બનાવી રાજનીતિ કરે છે. એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે છે. ત્યારે રાહુલની આ યાત્રામાં પહેરાયેલી ટી-શર્ટ હાલ ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.