રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ છે. યાત્રા દરમિયાન અનેક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર તેમજ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા ઝપાઝપી બાદ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી છે.
કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ
આગમી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. થોડા વખત પહેલા ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી હતી. યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
અમિત શાહને મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પત્ર
યાત્રા દરમિયાન પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી હતી તે વખતે પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને પત્ર લખ્યો છે.