એક બાદ એક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામા આપી રહ્યા છે. લગ્નમાં જેમ વરરાજા સાથે એક અણવર હોય એવી જ રીતે રાજીનામા આપી રહેલા ધારાસભ્યોની સાથે એક કોમન ચહેરો દેખાઈ રહ્યો છે. એક અઠવાડિયાની અંદર જે ધારાસભ્યો રાજીનામું આપવા પહોંચ્યા તેમાં એક વ્યક્તિ કોમન હતા અને તે હતા ભરત બોઘરા.... લગ્નમાં જેમ અણવર હોય છે તેમ રાજીનામા આપવા માટે જતા ધારાસભ્યોના અણવર તરીકે ભરત બોઘરા જોવા મળી રહ્યા છે.
ધારાસભ્યો રાજીનામું આપવા ગયા ત્યારે ભરત બોઘરા હાજર હતા
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં ભાજપે ઓપરેશન લોટસની શરૂઆત કરી દીધી છે. ભાજપની જે 182 જીતવાની ઈચ્છા હતી એ ધીરે ધીરે પૂરી કરતાં દેખાય રહ્યા છે. ગુજરાતમાં એક જ અઠવાડિયામાં એક આપના અને એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આ બંને નેતાઓનો ખેલ પાડવા પાછળ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જ્યારે બંને નેતા રાજીનામું આપવા ગયા ત્યારે ત્યાં સાથે ભરત બોઘરા હાજર હતા. ભરત બોઘરાએ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો ગણાય છે. સાથે જ આ નેતા અધ્યક્ષ સી.આર.પાટિલના ખાસ ગણાય છે.
ભરત બોઘરા પીએમની ગુડબુકમાં!
ભૂપત ભાયાણીના રાજીનામા સમયે પણ ભરત બોઘરા હાજર હતા. અને ચિરાગ પટેલના રાજીનામાં સમયે પણ એ હાજર હતા. કહેવાય છે કે ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે. એમાં પણ રાજકોટએ સૌરાષ્ટ્ર અને રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા આ બે નામ એક સમયે જસદણ વિધાનસભામાં ખૂબ જ મહત્વના છે અને શક્તિશાળી મનાતા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જેના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ પણ આવ્યા હતા. બોઘરા મોદીની ગુડબુકમાં છે અને સીઆર પાટિલની પણ નજીક છે. ઓપરેશન લોટસમાં તેમના નામની ચર્ચાને પગલે એ સાબિત થઈ ગયું છે કે સૌરાષ્ટ્રમાં પાવર સેન્ટર બદલાઈ ગયું છે.
આ સીટ પર મોહન કુંડારિયાને કરાઈ શકે છે રિપીટ
એવું માનવામાં આવે છે કે બીજી વિકેટો પડી શકે અને એમાં પણ વરરાજા બદલાશે પણ અણવર સેમ જ રહેશે. જે તે સમયે ભરત બોઘરા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બનવાના દાવેદાર હતા પણ પાટીલે જસદણની બેઠક પર સીટ માગવાની તો ચોખ્ખી ના પાડી હતી. પછી લોકસભામાં રાજકોટની બેઠક પર કરેલા પ્રયાસો પણ ફળ્યા ન હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થિના ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને ભાજપે ટિકિટ આપી હતી. હવે બોઘરાને રાજકોટની બેઠકના દાવેદાર ગણાય છે. હાલમાં રાજકોટની સીટ એ ભાજપના હાથમાં છે. અહીંથી કડવા પાટીદાર એવા મોહન કુંડારીયા સાંસદ છે. જેઓ એકવાર કેન્દ્રીય મંત્રી પણ બની ચૂક્યા છે. ભાજપ આ સીટ પર મોહન કુંડારિયાને રિપિટ કરે તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.