ભારતમાં કોરોના કાળ દરમિયાન કરોડો લોકોએ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીનના ડોઝ લઈને નવજીવન મેળવ્યું હતું. જો કે હવે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે કોવેક્સીન રસીની નિર્માતા કંપની ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે. રસીની (Vaccine) માગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા જ કોવેક્સીનનું ઉત્પાદન રોકી દેવામાં આવ્યું હતું.
કોવેક્સીન રસીનો કોઈ ગ્રાહક નથી
કોરોનાની વિદાય બાદ રસીની માંગ ઘટી છે, ઓછી માગને કારણે રસીનો કોઈ ગ્રાહક નથી, જેથી ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ 5 કરોડ ડોઝ વેચાણ વગર પડી રહ્યા છે. શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમય મર્યાદા 2023ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે. આ વર્ષની શરૂઆતમાં, ભારત બાયોટેકે રસીની ઓછી માગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે 2021ના અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના 20 કરોડથી વધુ ડોઝ છે અને બોટલમાં લગભગ 5 કરોડ ડોઝ ઉપયોગ માટે તૈયાર છે.