ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ અનેક વખત ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અનેક વખત પૂરતા ભાવ નથી મળતા જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ખેડૂતો પોતાના પાકને નષ્ટ ન કરે.
ડુંગળીના પાકને નષ્ટ ન કરવા ભગવંત માનની અપીલ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ભાવનગર ખાતે આયોજીત એક સમૂહ લગ્ન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ખેડૂતોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને રજૂઆત કરી હતી કે હજારો-લાખોનો ખર્ચ કર્યા બાદ પ્રતિ કિલો ડુંગળીના અઢીથી ત્રણ રુપિયા ભાવ રહ્યા છે. જેને કારણે ડુંગળીનો નાશ કરવો પડે છે. ખેડૂતોની રજૂઆત બાદ ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ભગવંત માને ખેડૂતોને અપીલ કરી કે 10-15 દિવસ તેઓ ડુંગળીનો નાશ ન કરે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હીની સરકાર રેલવે વેગન મૂકીને ડુંગળીની ખરીદી કરશે.
રાજકારણમાં આવી શકે છે ગરમાવો
હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમા ભાવ નથી મળી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેઓને નથી મળી રહ્યો. પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં એમ પણ ડુંગળીની ખેતી મુખ્યત્વે થતી હોય છે. ત્યારે ભગવંત માનની જાહેરાત થયા બાદ રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભગવંત માને સાંત્વના આપતા કહ્યું કે તેઓ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરશે. ખેડૂતોને અપીલ કરતા ભગવંત માને કહ્યું કે ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે.