ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં રેલી તેમજ રોડ-શો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રાજુલા ખાતે રોડ-શો કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.
આપણે ટેક્સ ભરીએ છીએ તો પણ સરકારની તિજોરી ખાલી છે - માન
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં સરકારની તિજોરી ખાલી કેમ છે? આપણા બાળકો માટે એમની તિજોરીઓ ખાલી થઈ જાય છે, જ્યારે પોતાના બાળકો માટે એમની તિજોરીઓ ક્યારેય ખાલી નથી થતી.
હું સત્ય કહેવા આવ્યો છું - ભગવંત માન
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે તડામાર તૈયારી કરી રહી છે. પ્રચારને લઈ આમ આદમી પાર્ટી પણ કોઈ કોમ્પ્રોમાઈસ કરવા નથી માગતી. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રોડ-શો કરી રહ્યા છે. રોડ-શો દરમિયાન ભગવંત માને કહ્યું કે હું અહિંયા કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો. હું જુઠા સપનાઓ બતાવવા નથી આવ્યો. હું અહિંયા સત્ય કહેવા આવ્યો છું.
દરેક પાર્ટી ગાઈ રહી છે પોતાના ગુણગાન
ચૂંટણી નજીક આવતા ભાજપ તેમજ કોંગ્રેસ પણ પોતાના ગુણગાન ગાઈ રહ્યા છે. થોડા સમય બાદ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે આરોપ-પ્રતિઆરોપ તેમજ પ્રચારની મતદારો પર કેટલી અસર થશે તે પરિણામના દિવસે ખબર પડશે.