ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના આપના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભગવંત માને આજે સુરેન્દ્રનગરમાં ભાજપ અને કોંગ્રેસને નિશાન બનવી આકરા પ્રહારો કર્યા હતા.
ભગવંત માને તેમના આગવા અંદાજમાં કર્યો પ્રચાર
ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને હવે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપને નિશાન બનાવતા કહ્યું કે ભાજપના નેતાઓએ રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુધી વેચી નાખ્યા છે. તેમણે મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં AAPની સરકાર બને છે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જનતા એવું ઝાડુ ચલાવે છે કે બંને પાર્ટીઓનો આ સ્થળેથી સફાયો જ થઈ જાય છે.
વૃક્ષો પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલો
ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસન અંગે ભગવંત માને કહ્યું કે આ સરકાર જેટલા વર્ષ રહી છે તેટલામાં તો બે પેઢીઓ બદલાઈ ગઈ છે. વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. ભગવંત માને ખુબ આત્મવિશ્વાસથી આપની સરકાર બનશે એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.