રાજનીતિ અને રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી તેવું લાગે છે.! રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ પરંતુ હવે તો રાજ કરવા માટે નીતિને બદલી દેવાય તેવું લાગે. લોકોને સુવિધા મળે, તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે કામ કરે તેને રાજનેતા કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે. વર્ષો સુધી જે પાર્ટીમાં રહ્યા હોય અને તે પાર્ટીને જ્યારે કોઈ છોડીને જાય છે ત્યારે અનેક પ્રશ્નો થાય છે. એ પક્ષ માટે ખરાબ કહ્યું હોય, જે પક્ષના નીતિની નિંદા કરી હોય અને તે પક્ષમાં જોડાયા પછી થોડા કલાકોની અંદર જ તે પક્ષના સારા કામો દેખાવા લાગે ત્યારે પ્રશ્નો થાય, પ્રશ્નો થવા સ્વભાવિક પણ છે.
અર્જુન મોઢવાડિયા પણ એ આક્ષેપોના ઘેરામાં આવશે જે આક્ષેપો તેમણે સરકાર પર લગાવ્યા હતા!
અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની, અંબરીશ ડેર જેવા અનેક રાજનેતાઓની જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. પાર્ટી છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ પ્રશ્નો તો અનેક ઉભા થાય છે. કોંગ્રેસનો સાથ છોડ્યા પછી સોશિયલ મીડિયા પરથી ભલે કોંગ્રેસનું નિશાન હટાવી દે પરંતુ તે આક્ષેપોનું શું જે તેમણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા છે. ભાજપમાં જોડાયા નેતાઓ પણ હવે એ આક્ષેપોમાં જોડાઈ ગયા છે જે આક્ષેપો તેમણે ભાજપ પર જે તે સમયે લગાવ્યા હશે. અર્જુન મોઢવાડિયાએ અનેક ટ્વિટ કરી છે જેમાં તેમણે સરકારના દેવા વિશે, સરકારની યોજના વિશે આક્ષેપો કર્યા છે, અનેક સવાલો કર્યા છે. ભાજપમાં જોડાયા બાદ હવે તે પણ તે જ આક્ષેપનો હિસ્સો બની ગયા છે જે તેમણે લગાવ્યા હતા.
નેતાઓએ એ જવાબ આપવો પડશે કે....
મહત્વનું છે કે જ્યારે કોઈ નેતા પક્ષ છોડે છે તે બાદ તે જે કારણ આપે છે તે ગળે ઉતરે તેવું નથી હોતું. વિપક્ષમાં રહીને જ્યારે વિકાસના કામો નથી થઈ શક્તા, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી કારણ કે સરકાર તેમને કામો નથી કરવા દઈ રહી તેવા કારણો આપવામાં આવતા હોય છે. જનતા કામો થઈ શકે, વિસ્તારમાં વિકાસ થઈ શકે તે માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તેવી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષ પલટો કરનાર નેતાઓએ એ વાતનો જવાબ તો આપવો જ જોઈએ કે સત્તાધારી પક્ષમાં જોડાયા બાદ તે એ કામો કરવામાં સફળ રહ્યા જેને લઈ તેમણે પક્ષને અલવિદા કહ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એ વાતનો જવાબ આપવો પડશે કે પોરબંદરમાં એ પ્રમાણેનો વિકાસ થયો કે નહીં જે એ ઈચ્છી રહ્યા હતા? અંબરીશ ડેરને પણ એ વાતનો જવાબ આપવો પડશે કે રેલવે લાઈનને નખાવવામાં સફળ રહ્યા જેના માટે તેમણે આંદોલન કર્યું? પક્ષ ગમે તે હોય પરંતુ કામ થવા જોઈએ જનતાના...!