રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બન્યા બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ કારણે હવે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની માગ ઉઠી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે દેખાવો કરી રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર પણ લોકોની માગને લઈ ભારે દબાણમાં છે. જો કે હવે રાજ્યના BPL કાર્ડ ધારકો માટે ખુશખબર આવે તેની શક્યતા છે.
ભાજપ સરકાર પર નિશાન સાધ્યું
ગુજરાતમાં વિપક્ષી પાર્ટીઓ આપ અને કોંગ્રેસ ધરણા-પ્રદર્શનો કરી રાજસ્થાનની તર્જ પર ગુજરાતમાં પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રુપિયામાં સિલિન્ડર આપવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાજસ્થાન સરકાર 450 રુપિયામાં સિલિન્ડર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે. જો કે, હવે સમચાર સામે આવ્યા છે કે, ગુજરાત સરકાર પણ આ મામલે ટૂંકમાં નિર્ણય લઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો, રાજ્યના લાખો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે, બજેટમાં અથવા બજેટ સત્ર દરમિયાન જાહેરાત થઈ શકે છે.