દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે તેલંગાણા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજી ડિસેમ્બરે તમામ રાજ્યો માટેનું પરિણામ આવવાનું છે. તમામ રાજકીય પાર્ટીઓએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો. મતદાન પૂર્ણ થઈ ગયું હવે એક્ઝિટ પોલની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નિવેદન આપ્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
ભાજપના ધર્મ કાર્ડ અંગે ગેહલોતે કરી વાત
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. એમપી, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામો પણ 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેના લઇ અશોક ગેહલોતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે અશોક ગેહલોતે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપે ધર્મની આડમાં ડરામણી અને તનાવ ભરેલી વાતો કરી છે. ભાજપનું ધર્મ કાર્ડ ચાલે તો અલગ વાત છે. ધર્મનું કાર્ડ નહીં ચાલે તો અમે ફરી સરકાર બનાવીશું. સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ભલે ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ આવશે તેના ગેહલોતે આપ્યા કારણ!
વધુમાં ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ગમે તે કહે પરંતુ ભાજપ કોઈ પણ રાજ્યમાં નથી જીતી રહી. રાજસ્થાનમાં જનતા અમારી સરકારને પાછી લાવશે. આ નિવેદન આપવા પાછળ તેમણે ત્રણ કારણો ગણાવ્યા. પહેલું કારણ ગણાવ્યું કે સરકાર વિરૂદ્ધ કોઈ લહેર નથી એવી વાત વિશેષજ્ઞો પણ કરી રહ્યા છે. બીજા છે મુખ્યમંત્રી. બીજેપીના વોટર પણ એવું જ કહેશે કે સીએમએ વિકાસ કાર્ય કરવામાં કોઈ કસર નથી છોડી. ત્રીજું કારણ આપતા તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન પીએમ, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્વારા બોલવામાં આવતી ભાષા.એ ભાષા કોઈને પસંદ નથી આવી. મહત્વનું છે કે રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાવાનો ટ્રેન્ડ છે.
25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું મતદાન
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું. 200 વિધાનસભાની બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા 199 બેઠકો માટે મતદાન કરાયું હતું. ચૂંટણી આયોગના પ્રમાણે 74.96 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે જે ત્રણ ડિસેમ્બરે આવવાનું છે. આ વખતે રાજસ્થાનમાં સરકાર બદલાવવાનો ટ્રેન્ડ યથાવત રહે છે કે શું તે થોડા દિવસો બાદ ખબર પડી જશે.