ભારત જોડો યાત્રાને કારણે રાહુલ ગાંધી ચર્ચાઓમાં રહે છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે એક દાવો કર્યો છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનશે.
રાહુલ ગાંધી માટે કમલનાથે આપ્યું નિવેદન
2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ઘણો સમય બાકી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ હમણાંથી તૈયારીઓ આરંભી દીધી છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને કારણે તેઓ અનેક વખત ચર્ચામાં પણ રહ્યા. આ યાત્રામાં અનેક નેતાઓ પણ સામેલ થયા છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાહુલ ગાંધીની ચર્ચાઓ જોર પકડે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે - કમલનાથ
પોતાના નિવેદનમાં કમલનાથે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સત્તા માટે નહીં પરંતુ જનતા માટે રાજનીતિ કરી રહ્યા છે. આવા નેતાને ખુદ જનતા સિંહાસન પર બેસાડશે. જ્યાં સુધી લોકસભાની ચૂંયણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નથી, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ તેઓ જ હશે.
ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ નહીં કરી હોય - કમલનાથ
ભારત જોડો યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું કે વિશ્વના ઈતિહાસમાં કોઈએ આટલી લાંબી પદયાત્રા નહીં કરી હોય. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે આટલા બલિદાન નથી આપ્યા. વધુમાં તેમણે કહ્યું કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ભાજપ દ્વારા એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં આ યાત્રા નિષ્ફળ નીવડશે પરંતુ મહારાષ્ટ્રમાં પણ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.