ભારતના ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે એકદમ આતુર દેખાતા હોય છે. આ મેચ જોવાની વાત જ અલગ છે તેવું ક્રિકેટ ફેન્સ કહેતા હોય છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં તો ભારે ઉત્સાહ છે પરંતુ સુરક્ષા બળોની ચિંતા વધી જતી હોય છે. થોડા કલાકો બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. વહેલી સવારથી જ ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા. ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ભારતના તિરંગા લહેરાઈ રહ્યા છે. ઈન્ડિયા... ઈન્ડિયાના નારા ક્રિકેટ ચાહકો લગાવી રહ્યા છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખી તૈનાત કરાયા છે સુરક્ષા બળો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડકપની ભારત - પાકિસ્તાનની મેચના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ બાદ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. DGP વિકાસ સહાયે જાહેરાત કરી હતી કે શનિવારે એટલે કે આજે રાત્રીના 8 થી12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે.
મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ
મેચને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દર્શકોમાં ભારે ઉત્સાહ છે મેચને લઈ. સવારથી સ્ટેડિયમની બહાર જાણે કોઈ તહેવાર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ભારત ટીમની ટી-શર્ટ પહેરી અનેક દર્શકો આવ્યા છે.
સુરક્ષા બળો રહેશે તૈનાત
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચને લઈ અમદાવાદ અને ગુજરાતમાં પોલીસે જડબેસલાક વ્યવસ્થા કરી છે. ભારત-પાકિસ્તાન મેચની માટે 5 સ્ટેજની સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્ટેડિયમની સુરક્ષા, બોમ્બ સ્કવોર્ડની ખાસ ટીમ, અને એની સાથે ATS, SOG,NSG, RAF, NDRFનીટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત બોમ્બ સ્કવોર્ડની ખાસ ટીમ ખડેપગે રાખવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે.
આ લોકો કરવાના છે રંગારંગ કાર્યક્રમમાં પરફોર્મ
મેચમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સુરક્ષા બળો તો તૈનાત છે. તે ઉપરાંત ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે અનેક સિંગર. બોલિવુડ એક્ટર સહિતની મોટી હસ્તી અમદાવાદની મહેમાન બની છે. મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહ, શંકર મહાદેવન, શ્રદ્ધા કપૂર, સુખવિંદર સિંહ તેમજ સુનિધિ ચૌહાણ પરફોર્મ કરવાના છે. તે ઉપરાંત સાંજે પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં નેહા કક્કર પરફોર્મ કરવાની છે. અનુષ્કા શર્મા પણ મેચને જોવા અમદાવાદ પહોંચી છે.