કર્ણાટકમાં આવતી કાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પ્રચારમાં બંને પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. અનેક રોડ શો, રેલીઓ તેમજ જનસભાઓને પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ગજવી છે. ત્યારે ચૂંટણી પહેલા ચૂંટણી પંચે બંને પાર્ટી એટલે કે કોંગ્રેસ તેમજ ભાજપને નોટીસ ફટકારી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોંગ્રેસે બીજેપીની જાહેરાતને લઈ વાંધો જાહેર કર્યો તો બીજેપીએ સોનિયા ગાંધીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આને જ ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને પાર્ટીને નોટિસ ફટકારી છે.
ચૂંટણી પંચે કોંગ્રેસ અને ભાજપને ફટકારી નોટિસ!
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હોય છે. કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે પાર્ટી પર તો નિશાન સાધવામાં આવ્યું હતું પરંતુ નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા હોય તેવું લાગતું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન વિષ કન્યા, ઝેરીલો સાપ, નાલાયક બેટા જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નોટિસ ફટકારવામાં આવી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે.
સોનિયા ગાંધીના ભાષણને લઈ ભાજપે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ!
બીજેપીએ સોનિયા ગાંધીના ભાષને લઈ ફરિયાદ દાખલ કરાવી હતા. કોંગ્રેસની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ હુબલીમાં પ્રચાર દરમિયાન આપેલા નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સંસદીય પક્ષ ચેરપર્સન સોનિયા ગાંધીનો કર્ણાટકના 6.5 કરોડ લોકોને મજબૂત સંદેશ. કોંગ્રેસ કર્ણાટકની વિશ્વસનીયતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને ક્યારેય આંચ આવવા દેશે નહી. આ નિવદેન પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ અને પાર્ટીના નેતા અનિલ બલુનીના નેતૃત્વમાં બીજેપીના એક પ્રતિનિધિમંડળે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. અને સોનિયા ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
જાહેરાતને લઈ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ!
તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ફરિયાદમાં જણાવ્યું કે બીજેપીએ એક અંગ્રેજી પેપરમાં જાહેરાત છાપી છે તેમાં તથ્યો વગર અનેક દાવા કરવામાં આવ્યા છે. જે કોંગ્રેસના અનુસાર તે દાવા નિરાધાર છે. ચૂંટણી પંચે જાહેરાત અંગે ખુલાસો કરવા માટે મંગળવાર રાત સુધીનો સમય આપ્યો છે.
લોકો સુધી પહોંચવાનો પાર્ટીનો પ્રયાસ!
મહત્વનું છે કે લોકો સુધી પહોંચવાનો એક પણ મોકો રાજકીય નેતાઓ છોડી નથી રહ્યા. કર્ણાટકમાં પ્રચાર દરમિયાન અનેક એવી તસવીરો સામે આવી જેમાં દિગ્ગજ નેતાઓ સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી હતી તો વડાપ્રધાન મોદીએ રોડ શો દરમિયાન બાળકો સાથે વાતો કરી હતી અને મસ્તી કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કર્ણાટકની જનતા કોને વોટ આપીને જીતાડે છે. આવતી કાલે યોજાનારી ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.