ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ઉપરાંત ગુજરાતમાં તેમની પાર્ટીની સરકાર બનશે તેવા પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા નેતાઓના અનેક ફોટા વાયરલ થતા હોય છે. તેવો એક ફોટો વાયરલ થયો છે જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ એક સાથે દારૂની પાર્ટી કરતા નજરે પડે છે.

દારૂની પાર્ટીમાં કોંગ્રેસ-ભાજપના નેતા ભાઈ-ભાઈ
દરેક પાર્ટીએ પ્રચાર માટે નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. પ્રચાર દરમિયાન પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહે છે. પરંતુ એક પાર્ટી એવી હોય છે જેમાં તેઓ એક થઈ જતા હોય છે. આ પાર્ટીને દારૂની પાર્ટી. ચૂંટણી નજીક આવતા ગાંધીના ગુજરાતમાંથી દારૂની પાર્ટી કરતા નેતાઓના ફોટા વાયરલ થતા હોય છે. વાયરલ ફોટામાં રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ બચુ આરેઠીયા, રાપર નગરપાલિકાના પ્રમુખ અમરતબેન વાવિયાના પતિ વાલજી વાવીયા તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય રાજુ ચૌધરીએ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસ યુવા આગેવાન મુકેશ ચૌધરી પણ જોડાયા હતા. પાર્ટીને ભૂલાવી બધા લોકો પાર્ટીનો આનંદ માણતા નજરે પડ્યા હતા.
જમાવટ આ વાયરલ ફોટો અંગે પુષ્ટિ કરતું નથી
દારૂબંદીની વાતો કરતા નેતાઓના ચૂંટણી સમયે આવા અનેક ફોટો વાયરલ થતા હોય છે. ત્યારે આ ફોટો હમણાંનો છે કે જૂનો, આ ફોટો ક્યાંનો છે ઉપરાંત આ ફોટો સાચો છે કે નહિં તે અંગે જમાવટ કોઈ પુષ્ટિ કરતું નથી.