ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે ઉપરાંત ધરણા પ્રદર્શન કર્યું હતું.
સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
ગુજરાતમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત મળી છે. 182માંથી ભાજપના ફાળે 156 સીટો આવી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુ્દ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યો આક્રામક મોડમાં દેખાયા હતા. હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
અમિત ચાવડાએ કહ્યું કે 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકારના રાજમાં એક બે વાર નહીં પરંતુ 13 કરતા વધારે વખત પેપર ફૂટયા છે. આ પેપર ફૂટવાને કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે કે સરકારી નોકરી મળે. ભવિષ્ય માટે લાખો રુપિયા ખર્ચ્યા હોય છે. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે.