ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જેને લઈ અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ.
ઉમેદવારોને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર જ તેમને પડતી મુશ્કેલીને સમજી શકે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પાર્ટી અલગ ઉમેદવારને અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારતા હોય છે.
લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા
આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા લોકો પણ ટિકિટની માગણી કરી રહ્યા છે તે તમામ સ્થાનિક જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોય અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હોય તેવો મારો અંદાજો છે.