ખરાબ રોડ રસ્તાને જોઈ ઘણી વખત આપણા મનમાં વિચાર આવતો હોય છે કે જો મુખ્યમંત્રી આ રસ્તા ઉપરથી પસાર થાય તો રસ્તાની હાલત એકદમ સુધરી જાય. રસ્તાની ખરાબ હાલત વિશે તો અનેક વખત ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે સારા રસ્તાની વાત કરવી છે. વાંચીને નવાઈ હશેને કે સારો રસ્તો કેવી રીતે સમાચાર બની શકે. પરંતુ ના રસ્તો સમાચાર એટલા માટે બન્યો છે કારણ કે તેનું સમારકામ મુખ્યમંત્રીના આગમન પહેલા કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીના આગમન પહેલા જૂનાગઢ કોર્પોરેશને ખરાબ રસ્તા સારા કરાવ્યા. ખાડા પર ડામર પાથર્યું.
સામાન્ય દિવસોમાં પણ રસ્તા પર જોવા મળે છે ખાડા
માણસ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેને ખરાબ રસ્તાનો સામનો કરવો પડે છે અથવા તો રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે સમજીએ કે રસ્તા ખરાબ થઈ જાય. પરંતુ આપણે ત્યાં તો સામાન્ય દિવસો દરમિયાન પણ રસ્તાની હાલત ખરાબ જ હોય છે. રોડ પર અનેક ખાડા પડતા હોય છે જેને જોતા આપણને લાગે કે રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તા છે.
સીએમના આગમન પહેલા રસ્તાને કરાયા સારા
ખરાબ રોડને કારણે અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે જૂનાગઢની પ્રજા નસીબદાર છે કારણ કે જૂનાગઢના રસ્તા સારા થઈ ગયા છે. રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. સારા રસ્તા એટલા માટે છે કારણ કે તે રસ્તા પરથી સામાન્ય માણસ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પસાર થવાના હતા. જૂનાગઢ ખાતે ભૂપેન્દ્ર પટેલ જવાના હતા ત્યારે તેમના આગમન પહેલા તંત્ર દ્વારા રસ્તાને સુધારવામાં આવ્યા છે. ખરાબ રસ્તાને સરખા કરવામાં આવ્યા હતા.
CMએ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જે રસ્તાની હાલત ખરાબ હોય!
ખરાબ રસ્તા ન માત્ર જૂનાગઢમાં છે પરંતુ દરેક શહેરના રસ્તાની આવી જ હાલત છે. રસ્તા પર ખાડા પડે છે તો વાહનચાલકોને વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. છોટાઉદેપુર, નર્મદા સહિતના વિસ્તારો એવા છે જ્યાં રસ્તા શોધવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રીને એક અપીલ છે કે દર થોડા દિવસે કોઈ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જ્યાંના રસ્તા ખરાબ હોય. જો એ રસ્તા પરથી મુખ્યમંત્રી પસાર થશે તો તે ખરાબ રસ્તાની હાલત સુધરશે.