આવતી કાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરવાથી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવો ઉલ્લેખ આપણને શાસ્ત્રોમાં મળે છે. આ તહેવાર લોકોને આધ્યાત્મિક રીતે જાગૃત કરવાની અને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની તક પૂરી પાડે છે.
નવદુર્ગાના આ છે નવ રૂપ
નવરાત્રી દરમિયાન માતાજીના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન કરવામાં આવેલી પૂજા વિશેષ ફળ આપનારી છે તેવો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. પહેલા નોરતે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, બીજા દિવસે બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. ચોથા દિવસે કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગાનું પાંચમુ સ્વરૂપ છે સ્કંદમાતાનું. છઠ્ઠુ સ્વરૂપ છે કાત્યાયની છે જ્યારે સાતમું સ્વરૂપ કાલરાત્રીનું છે. આઠમું સ્વરૂપ મહાગૌરીનું છે જ્યારે નવમું સ્વરૂપ સિદ્ધિધાત્રીનું છે.
મહિષાસુરનો વધ કરવા થઈ હતી માતાજીની ઉત્પત્તિ
માતાજીને અષ્ટભૂજા કહેવામાં આવે છે, એટલે કે માતાજીને આઠ હાથો છે. માતાજી પોતાના હાથોમાં અલગ અલગ અસ્ત્ર તેમજ શસ્ત્ર ધારણ કરે છે. પોતાના હાથોમાં માતાજીએ સુદર્શન ચક્ર, તલવાર, શંખ, ગદા ધારણ કરી છે. તે ઉપરાંત ત્રિશુલ, કમળ. બાણ, અભય મુદ્રા તેમજ ભાલો ધારણ કરે છે. માતાજીને અલગ અલગ શસ્ત્રો અલગ અલગ દેવતાઓએ પ્રદાન કર્યા છે. દેવતાઓએ પોતાના શસ્ત્રો દેવીને આપ્યા હતા. નવરાત્રી આદ્યશક્તિની આરાધનાનો મહા પર્વ છે. અનેક વખત દૈત્યોનો સંહાર કરવા માતાજીએ રૂપ ધારણ કર્યા છે. દૈત્ય મહિષાસુરના સંહાર માટે માતાજીએ રણસંગ્રામમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે માતાજીએ દૈત્યના સંહાર કર્યો હતો તે બાદ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
મહિષાસુરનો વધ કરવા માતાજીની થઈ ઉત્પત્તિ
મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતાજીને પોત-પોતાની શક્તિ આપી હતી. તેમજ પોતાના અસ્ત્ર-શસ્ત્ર માતાજીને અર્પણ કર્યા હતા. દાનવોનું સામરાજ્ય વધી રહ્યું હતું અને દેવતાનું સામરાજ્ય ઘટી રહ્યું હતું જેથી ચિંતિંત થઈ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. જે બાદ તમામ દેવતાઓએ પોતાની શક્તિ આપી એક શક્તિની રચના કરી. માતાજીની ઉત્પત્તિ થતા દૈત્યો ખડખડાટ હસવા લાગ્યા હતા. માતાજીને નબળા સમજી તેઓ હાસ્ય કરવા લાગ્યા. ત્યારે માતાજીએ ક્રોધિત થઈ તમામ દૈત્યોનો સંહાર કર્યો હતો.
માતાજીને અલગ અલગ દેવતાઓએ આપ્યા છે શસ્ત્ર
મહિષાસુરનો વધ કરવા માટે દેવી જ્યારે રણસંગ્રામમાં આવ્યા ત્યારે દેવતાઓએ પોતાની શક્તિઓ તેમજ શસ્ત્રો આપ્યા હતા. સુદર્શન ચક્ર, શંખ, અંકુશ, દંડ, સિંહ તેમજ બીજા અનેક શસ્ત્રો લઈ માતાજી યુદ્ધ કરવા મેદાનમાં ઉતર્યા હતા.
શંખ -
કોઈ પણ યુદ્ધ શરૂ થતા પહેલા શંખનાદ કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પહેલા પણ અનેક મહારથીઓએ શંખનાદ કર્યો હતો. ત્યારે વરૂણ દેવે માતાજીને શંખ આપ્યો હતો. શંખની ધ્વનિ માત્રથી જ અનેક દૈત્યોનો નાશ થઈ જાય છે. કોઈ પ્રકારની નકારાત્મક્તા ટકી શક્તી નથી.
સુદર્શન ચક્ર -
વિષ્ણુ ભગવાનનું શસ્ત્ર છે સુદર્શન ચક્ર. વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી અનેક દૈત્યોનો સંહાર કર્યો હતો. ત્યારે માતાજીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર અર્પિત કર્યું હતું.
દંડ -
દંડને યમરાજનું શસ્ત્ર માનવામાં આવે છે. યમરાજાએ માતાજીને દંડ અર્પણ કર્યો હતો. જીવાત્મા જ્યારે પણ ખોટુ કામ કરે છે ત્યારે માતાજી તેને દંડ આપી શકે.
ત્રિશુળ -
ભગવાન શંકરે માતાજીને ત્રિશુળ અર્પણ કર્યું હતું. જેના ઉપયોગથી માતાજીએ અનેક દૈત્યોનો સંહાર કર્યો છે. ત્રિશુળ વડે જ માતાજીને મહિષાસુરનો વધ કર્યો હતો.
અંકુશ, અગ્નિ -
માતાજી જીવાત્માઓ પર અંકુશ મેળવે તે માટે ઈન્દ્ર દેવે માતાજીને અંકુશ અર્પણ કર્યું હતું. તેમજ અગ્નિથી અનેક દૈત્યોનો સંહાર થઈ શકે તે માટે અગ્નિએ પોતાની શક્તિ માતાજીને અર્પણ કરી હતી.
સિંહ-
પર્વતરાજ હિમાલયે માતાજીને સિંહ અર્પણ કર્યો હતો. સિંહ પર બિરાજમાન થઈ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. જે બાદ તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા.
નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે...