અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એક વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ તેમણે યુએસનો વિસ્તાર વધારવાની રણનીતિ અપનાવી છે. જેમ કે , એક વખત તો તેમણે કેનેડાને યુએસનું ૫૧મુ રાજ્ય બનાવવાની વાત કરી અને ત્યારબાદ અવારનવાર તેમણે ગ્રીનલેન્ડનું યુએસમાં વિલીનીકરણ કરવાની વાત કરી છે . જોકે હવે ગ્રીનલેન્ડના લોકો પેહલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પની આવી ઇચ્છાઓથી ખફા છે . જોકે આ અઠવાડીએ યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ અને સેકન્ડ લેડી એટલેકે તેમના પત્ની ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે . થોડાક સમય પેહલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના કાર્યાલય દ્વારા ગ્રીનલેન્ડની મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મુલાકાતમાં તેમના પત્ની ઉષા વાન્સ અને અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈક વોલ્ટઝ , એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટ પણ સાથે જોડાવાના છે .
મુલાકાત અગાઉ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે એક વિડિઓ પ્લેટફોર્મ X પર જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે , " હું સેકન્ડ લેડી ઉષા વાન્સની સાથે ગ્રીનલેન્ડની મુલાકાતમાં જોડાવાનો છું. અમે ગ્રીનલેન્ડના ઉત્તરપશ્ચિમમાં સ્થિત સ્પેસ બેઝની મુલાકાત લેવાના છીએ . સાથે જ ગ્રીનલેન્ડની સુરક્ષાની ચકાસણી પણ કરીશું . અમારી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને એનેર્જી સેક્રેટરી પણ જોડાવાના છે .ગ્રીનલેન્ડની આ મુલાકાત અમેરિકા , કેનેડા અને ગ્રીનલેન્ડની સુરક્ષાને લઇને મહત્વની છે." આ મુલાકાતના સંદર્ભે હવે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યુટ એગડેની પ્રતિક્રિયા સામે આવી હતી . આ પ્રતિક્રિયા અંતર્ગત તેમણે કહ્યું છે કે , " આ મુલાકાત ખુબ જ આક્રમક અમેરિકન પ્રેશરનો ભાગ છે . આ પ્રેશર અમારા સમગ્ર ગ્રીનલેન્ડના સમાજની વિરુદ્ધમાં છે." આ મુલાકાતને લઇને ગ્રીનલેન્ડમાં જોરદાર વિરોધ થયો છે . સાથે જ ગ્રીનલેન્ડમાં જે ડેન્માર્કનું આધિપત્ય છે તેનો પણ ત્યાંની સ્થાનિક જનતામાં વિરોધ છે. હવે વાત કરીએ કેમ આ ગ્રીનલેન્ડનું મહત્વ અમેરિકા માટે વધી રહ્યું છે . અગાઉ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનના સમયમાં ૧૯૪૬માં ગ્રીનલૅન્ડનો અમેરિકામાં વિલય કરવાની પહેલ કરવામાં હતી જોકે તેઓ તે સમયે સફળ નહોતા રહ્યા .
વાત કરીએ ગ્રીનલેન્ડની તો ત્યાંના ઉત્તરપશ્ચિમ ભાગમાં પીટુંફીક નામનું સ્પેસબેઝ આવેલું છે જે અમેરિકાનું આ પૃથ્વી પરનું સૌથી ઉત્તરમાં આવેલું મિલિટરી બેઝ છે. હવે ગ્રીનલેન્ડના કાંઠાના વિસ્તારોમાં જોરદાર રીતે ચાઈનીઝ અને રશિયન જહાજોની અવરજવર વધી ગઈ છે જેનાથી યુએસ તેને પોતાની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણે છે . વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જની અસર અંતર્ગત ઉત્તરધ્રુવનો બરફ ઓગળી રહ્યો છે તેનાથી નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . માટે અમેરિકાની નજર આ ગ્રીનલેન્ડ અને તેની આસપાસના ખનીજ તત્વો , નવા જળમાર્ગો પર છે . તો હવે જોવાનું છે કે ભવિષ્યમાં ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ. હવે વાત કરીએ કે અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી મેળવેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું. આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને યુએસમાં વિલય કરાયો . આ પછી ૧૯૧૭માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા.