સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ગુજરાતમાં સારી, ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુજરાતમાં 100 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ગુજરાતમાં આ વખતે 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદ નથી વરસવાનો. વરસાદની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ હશે પરંતુ અનેક શહેરોમાં તાપમાનનો પારો વધી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે.
આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે. ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. જો પહેલી ઓક્ટોબર તાપમાનની વાત કરીએ તો પાટણમાં 38.1 ડિગી, ડીસામાં 37.7 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધારે નોંધાયું છે.