આજે સવારે આવકવેરા વિભાગ (IT)એ BBCની નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે રેડ પાડી છે. આવકવેરા વિભાગ (IT)ની ટીમ નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે પહોંચી છે. આ રેડમાં ઈન્કમ ટેક્સ વિભાગના 60થી 70 અધિકારીઓ જોડાયા છે. ITના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈ પણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ અધિકારીઓ ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.
દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ચાલી રહ્યો છે સર્વે
દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. BBC ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે BBC ઓફિસમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સર્વેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં BBCની દિલ્હી અને મુંબઈ બંને ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે. BBCનું મુંબઈમાં બ્યુરો છે. આ દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે.
કોંગ્રેસે આપી ઉગ્ર પ્રતિક્રિયા
કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું છે, પહેલા BBCની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે BBC પર આઈટીની રેડ પડી છે, આ છે અઘોષિત કટોકટી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કહ્યું કે અમે અહીં અદાણીના મામલે જેપીસીની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી ગઈ છે.