લોકસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે તો રીતસર ભરતી અભિયાન જ શરૂ કરી દીધું છે. જેમાં સ્થાનિક નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે. જેમ કે અરવલ્લીના મોડાસા ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી કરી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા. સી આર પાટીલે ખેસ પહેરાવીને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. જો કે આ પ્રસંગે તેમણે ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
પાટીલની ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનેને સાનમાં સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, "બાયડના ધારાસભ્ય પહેલા કોંગ્રેસ પછી ભાજપ અને ત્યારબાદ અપક્ષ અને પછી પાછું..પણ ધવલસિંહ આ બાયડના લોકો અને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે, તમે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતાં નહીં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા. અમારા દરેક કાર્યકર્તાઓમાં થોડી-થોડી નારાજગી છે, બધાની માફી માંગી લેજો". તેમણે ધવલસિંહ ઝાલાને કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે પણ કહ્યું હતું. તે ઉપરાંત મતવિસ્તારના લોકોને હેરાન ન કરવા અને શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની પણ ટકોર કરી હતી.
અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપતા તેમણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યક્રમમાં જોવા મળતા હતા. ધવલસિંહ ઝાલાનો અત્યાર સુધીનો રાજકીય કાર્યકાળ ભારે ઉતાર ચઢાવ વાળો રહ્યો છે.