તમે સ્પાઇડર મેન, સુપર મેન, બેટ મેન આવા નામો સાંભળ્યા હશે પણ તમે ક્યારેય 'બેટ વુમન' નામ સાંભળ્યું છે? જી હા, આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં 80 વર્ષના શાંતા બેન રહે છે જેમને આખું ગામ “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…
નંદાસણની બાજુમાં આવેલા રાજપુર ગામમાં રહેતા શાંતાબેન પ્રજાપતિનાં ઘરમાં એક નહીં, બે નહીં, પરંતુ એક હજારથી વધુ ચામાચીડિયા રહે છે. છે ને નવાઈની વાત..!! મોટાભાગે મહિલાઓ ચામાચીડિયા, ઉંદર અને ગરોળી વગેરેથી ડરતી હોય છે. પરંતુ શાંતાબેનના ઘરમાં આજે વર્ષોથી ચામાચીડિયા વસવાટ કરે છે. અને શાંતા બેન તેમને પરિવારના સભ્યો ગણે છે
શાંતા બેનનું માનવું છે કે, પ્રભુની ઈચ્છાથી જ આ બધા ચામાચીડિયા તેમના ઘરે આવ્યા છે. તેમને ઉડાડી ને તેઓ પાપના ભાગીદાર બનવા નથી માંગતા. આ ચામાચીડિયા હવે તેમને પરિવારના સભ્યો જેવા લાગે છે. તેમનાથી શાંતાબેનને જરા પણ ડર લાગતો નથી. સાથે તેમણે જણાવ્યું કે આ ચામાચીડિયા ખૂબ જ ગંદકી ફેલાવે છે અને તેના કારણે ખૂબ દુર્ગંધ આવે છે. પરંતુ શાંતાબેન નિયમિત પણે સાફ સફાઈ પણ કરે છે.
આ બા ઘરમાં એકલા જ રહે છે
ચામાચીડિયાની સાથે રહેવાને કારણે જ લોકો શાંતા બેનને ચામાચીડિયાવાળા કહેવા માંડ્યા છે. જણાવી દઈએ કે, શાંતાબેનના પતિનું મોત થઈ ચુક્યુ છે. તેમની દીકરીઓના લગ્ન થઈ ચુક્યા છે અને હવે તે પોતાના સાસરિયામાં રહે છે. આથી, તેમની સાથે રહેનારુ કોઈ નથી અને હવે તેમણે આ ચામાચીડિયાઓને જ પોતાના પરિવારો હિસ્સો માની લીધા છે.
શાંતા બેનના ઘરમાં ઘુસતા જ કોઈ સામાન્ય માણસને ડર લાગે તેવો માહોલ હોય છે કારણ કે ઘરની દરેક દીવાલ અને ભોંયતળિયે ઢગલો ચામાચીડિયાં જોવા મળે છે. ગામના લોકો ઘણીવાર શાંતાબેન ને ચામાચીડીયાને ઉડાડી મૂકવાની સલાહ આપે છે. પરંતુ શાંતાબેનને ચામાચીડિયાથી જરાય તકલીફ નથી. તાજેતરમાં જ નીપા વાઇરસ ફેલાઈ રહ્યો હતો, છતાં શાંતાબેને ચામાચીડીયાને ઉડાડવાનું યોગ્ય માન્યું નહોતું.