ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર થયા બાદ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસને દિગ્ગજ નેતાનો સાથ મળી શકે છે. શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાતની રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી હતી જે બાદ એવું માનવામાં રહ્યું છે કે બાપુ 12 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. બાપુ પાર્ટીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ થામી લીધો છે.
ખડગે સાથે કરી હતી મુલાકાત
મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી તેવી અટકળો વહેતી થઈ હતી કે બાપુ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બાપુએ 2017ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સાડા પાંચ વર્ષ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં જવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. થોડા દિવસ પહેલા બાપુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.