ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ શુક્રવારે સવારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.
BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ
ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલે રિપોર્ટ આપ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. શુક્રવારે જ્યારે મંદિરના પૂજારીઓ પૂજા કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. આ સાથે જ ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ લટકતો જોવા મળ્યો હતો.
BAPSએ હુમલાને વખોડ્યો
મળતા રિપોર્ટ મુજબ મંદિરની દિવાલો પર વિનાશ અને નફરતના આઘાતજનક સૂત્રો લખવામાં આવ્યા છે.જ્યારે, BAPSએ હુમલાની નિંદા કરી હતી. "અમે આ બર્બરતા અને નફરતના કૃત્યોથી દુઃખી અને આઘાત અનુભવીએ છીએ," BAPSએ એક નિવેદનમાં કહ્યું. અમે શાંતિ અને સદભાવ માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં આ ઘટના વિશે વધુ વિગતો આપીશું.
જાન્યુઆરીમાં પણ હુમલો થયો હતો
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તે ઉપરાંત મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર લખેલા સ્લોગનમાં ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી જર્નૈલ સિંહ ભિંડરાનવાલેને 'શહીદ' ગણાવ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી.