સુરતના સચિન વિસ્તારના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતાં, જેમાં રૂપિયા 13 લાખની લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતાં. જો કે, આરોપીઓને પોલીસ દબોચી લીધા છે. વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્તોલ વડે ધોળા દિવસે બેંકમાં આવેલા ગ્રાહકો તેમજ બેંકના કર્મચારીઓને બંધ બનાવી રોકડા રૂપિયાની ધાડ કરનારા ચાર આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપીઓ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટરો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પર કબજો લેવામાં આવ્યું છે.
CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ
સચિનના વાંજ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 11 ઓગસ્ટ 2023ના રોજ સવારે 11:30 કલાલે 5 ઈસમોએ હેલ્મેટ પહેરીને અને તમંચા જેવા હથિયાર સાથે લઈને બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સચિન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ આ લૂંટારુંઓને પકડવામાં કામે લાગી હતી. પોલીસને ઘટનાના દિવસે આરોપીઓએ ભાગવામાં ઉપયોગમાં લીધેલી એક રીક્ષા અને બાઈક મળી આવ્યુ હતું. ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.
આરોપીઓ UPના રીઢા ગુનેગારો
સુરત ક્રાઇમ બ્રાન્ચને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમસન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે 4 આરોપીની ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતેથી ઝડપી પાડયા હતા. આ ચાર આરોપીઓમાં રબાઝખાન ગુજર, વીપીનસિંગ ઠાકુર, ફુરકાન ગુજર અને અનુજપ્રતાપસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ ચારમાં મુખ્ય આરોપી વીપીનસિંગ ઠાકુર છે. આ આરોપી 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ત્યારબાદ આરોપીએ પોતાની સાથે અન્ય 4 રીઢા આરોપીઓને લઈ સચિનના વાંજમાં આવેલી બેંકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી વીપીનસિંગ ઠાકુર સામે અલગ અલગ 32 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. મોટાભાગમાં ગુનાઓ આરોપી સામે ઉત્તર પ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
શા માટે બેન્ક ઓફ મહારાષ્ટ્રને નિશાન બનાવી?
સચિનના વાંજની બેન્ક ઓફ મહારાષ્ટ્રને લૂંટ માટે ટાર્ગેટ કરવાનું મોટું કારણ એવું હતું કે, આ બેંકમાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડન ન હતો. કારણ કે આ બેંક નાની બેંક હતી અને ત્યાં સિક્યોરિટી ગાર્ડ બેંક દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રેકી કરીને બેંકમાં લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક રિવોલ્વર અને 1,58,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સચિન પોલીસ દ્વારા આરોપીઓએ ચોરી કરેલ બે મોટરસાયકલ પણ કબજે કર્યા છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ આ લૂંટની મોટાભાગની રકમ ખર્ચી નાખી હતી.