હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે બનાસકાંઠામાં એક બીએસએફ જવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર દિયોદરના મકડાલા ગામમાં રહેતા બીએસએફ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે તેવી વિગતો સામે આવી છે. બીએસએફની ટ્રેનિંગ લઈ 19 વર્ષીય યુવાન પોતાના માદરે વતન આવ્યા હતા. ફરજ પર જતી વખતે અમદાવાદમાં તે પોતાના ભાઈના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું છે. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.
યુવાનો તેમજ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ કે જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. વાત પણ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મોતને ભેટે તે અંગે જાણી શકાતું નથી. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધારો થયો છે તેનાથી તો આપણે માહિતગાર છીએ. પ્રતિદિન અનેક વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
ગાર્ડ ઓફ ઓનર સાથે બીએસએફ જવાનના કરાયા અંતિમ સંસ્કાર
ત્યારે બનાસકાંઠામાં 19 વર્ષીય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તે કાળનો કોળિયો બન્યા. ત્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન રાહુલ આવ્યા હતા. માદરે વતનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.