બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપે ડો. રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ ગેનીબેન ઠાકોર આક્રામક દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જબરદસ્ત માહોલ બનાવી દીધો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ચેલેન્જ આપી છે. જનસભાને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માગે છે એ એન્ગલથી હું લડવા તૈયાર છું.
થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન
ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો માહોલ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે અને તે પણ કદાચ ઉમેદવારના દમ પર... બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સતત પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને લઈને આવ્યા. ભાજપ પર તો પ્રહાર કરે છે પરંતુ શંકરચૌધરી પર પણ તે નિશાન સાધે છે. થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૂંટણીનો ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ના આવ્યો હોય.
ચાર બેઠકો માટે કોંગ્રેસે નથી કર્યા ઉમેદવાર જાહેર
મહત્વનું છે આની પહેલા પોલીસને લઈ તેઓ નિવેદન આપી ચૂક્યા છે. પોલીસ તેમજ જીએસટી વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનિય છે કે આમ તો 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો જંગ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે. એક છે ભરૂચ લોકસભા બેઠક બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક... કોંગ્રેસે હજી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી.