ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે ચાર બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ બધા વચ્ચે ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે.
બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જામશે જંગ
લોકસભા ચૂંટણી માટે જ્યારથી રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચૂંટણીનો જંગ જામી ગયો લાગે છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ગુજરાતની અનેક બેઠકો સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે જેવી કે ભરૂચ લોકસભા સીટ જ્યાં ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાની પસંદગી કરી છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે. બનાસકાંઠા લોકસભા સીટ પર બંને પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.
આ તારીખે ઉમેદવારો ભરી શકે છે ઉમેદવારી ફોર્મ
ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારોની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો પણ ધીમે ધીમે સામે આવી રહી છે. પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બનાસકાંઠામાં બંને પાર્ટીના ઉમેદવાર કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેની માહિતી સામે આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે નામાંકન નોંધાવશે. મહત્વનું છે કે ટૂંક સમયમાં બેઠકો માટે ઉમેદવારો નામાંકન નોંધાવશે. ઉલ્લેખનિય છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ માટે ઉમેદવાર જશે ત્યારે શક્તિપ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવશે