ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે.. ચૂંટણીના રંગમાં ગુજરાત રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે...ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ ગયો છે.. પરંતુ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જે ચર્ચામાં રહી... કોઈ વિવાદને કારણે તો કોઈ ઉમેદવારના નિવેદનને કારણે.. ત્યારે આજે જોઈએ એવી અનેક બેઠકો જેની ચર્ચા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ...
રાજકોટ લોકસભાની આસપાસ ફરી ગુજરાતની રાજનીતિ!
લોકસભા બેઠકની વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટ લોકસભા સીટની... ગુજરાતની રાજનીતિ આ બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો ગુજરાતના અનેક ભાગોમાં વિરોધ થયો.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.. પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ થવાનો શરૂ થયો..
પરેશ ધાનાણીની કવિતાઓ વાયરલ થઈ!
વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા.. પરંતુ ક્ષત્રિયનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.. આ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે.. આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે...
ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન દેખાયા આક્રામક
તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા પણ આ ચૂંટણી દરમિયાન થઈ હતી. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે.. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક અંદાજમાં દેખાયા છે.. અનેક એવા નિવેદનો તેમણે આપ્યા છે જેને કારણે ચર્ચા થતી હોય છે.. પોતાના ભાષણ દરમિયાન અનેક વખત પોલીસની કામગીરી પર સવાલ કર્યા છે ઉપરાંત રેખાબેન ચૌધરી પર તેમજ શંકર ચૌધરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે..
બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે જામશે જંગ!
મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા.. પીએમ મોદીએ ડીસામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ લાખણીમાં જનસભા કરી હતી.. આ બેઠક પર બંને મહિલાઓ વચ્ચે થનારી જંગ પર સૌ કોઈની નજર હશે.. મહત્વનું છે કે ગેનીબેન માટે કહેવા છે બનાસની બેન તો રેખાબેન માટે કહેવાય છે બનાસની દીકરી..
ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહી કારણ કે...
તે સિવાય ભરૂચ લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ જામવાનો છે.. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એક મનસુખ વસાવાને ઉમેદવાર ઘોષિત કરાયા છે. તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચામાં રહે છે.. બંને ઉમેદવારો એક બીજા પર પ્રહાર કરતા અનેક વખત દેખાયા છે... આ બેઠક પર કયા વસાવાની જીત થાય છે તેની પર નજર રહેલી છે...
પૂનમબેન માડમને કરવો પડ્યો વિરોધનો સામનો!
તે સિવાય જામનગર બેઠક પણ ચર્ચામાં રહી કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ જામનગરમાં સૌથી વધારે થયો હોય તેવું લાગ્યું.. જેટલા વિરોધનો સામનો કદાચ પરષોત્તમ રૂપાલાને નહીં કરવો પડ્યો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં જતા હતા અને ત્યાં હાય હાયના નારા લગાવ્યા હતા.. મહત્વનું છે કે પીએમ મોદીએ જામનગરમાં સભા કરી છે. ત્યારે પૂનમબેન માડમ માટે આ ચૂંટણી કઠિન સાબિત થઈ જશે છે...
અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
આ સિવાય વલસાડ બેઠક પણ ઉમેદવારને કારણે ચર્ચામાં રહી... અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે... અનંત પટેલ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા છે... ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે?