રાજ્યની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો. અને આજે એની ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પર અનેક આક્ષેપો લાગ્યા છે.
બનાસકાંઠા બેઠક પર થશે મહિલાઓ વચ્ચે જંગ
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયા છે. ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક પ્રચાર કરતા દેખાય છે. થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 22 એપ્રિલ સુધી જો ફોર્મ પરત ખેંચવું હોય તો ખેંચી શકાય છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રમાં ભૂલો સામે આવી હતી. આ લોકસભા બેઠક માટે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
મારૂં ફોર્મ રદ્દ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે - ગેનીબેન
ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે, આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથેનું સોગંદનામું જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારૂ ફોર્મ રદ્દ થાય તેવા પ્રયાસો કરવામાં આવી છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.' આ બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે વાત ના થઈ શકી કારણ કે તેઓ મીટિંગમાં હતા.
ગેનીબેન પર લાગ્યા ગંભીર આરોપ!
જ્યારે બીજી બાજુ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં તેમણે 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. સાથે જ તેમણે કહ્યું કે ગેનીબેને દારૂના ધંધાથી હપ્તા લઈ સંપતિ વસાવી છે.
પ્રવીણ માળીએ પણ ગેનીબેન પર લગાવ્યા આરોપ!
ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ગેનીબેન પર પ્રહાર કરતાં કહ્યું પ્રજામાં વાત છે કે 2017માં તમે જે મિલકત બતાવો છો એ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા બનાવો છો. ગેનીબેન એવું કહે છે કે હું બીપીએલ છું, તો એના પછી ખૂબ જમીનો ખરીદાઈ છે. તો એ પ્રમાણે એફિડેવિટ કરવું જોઇએ.તો હવે ખરેખર ગેનીબેન પાસે કેટલી સંપતિ છે એ ગેનીબેન કહે ત્યારે જ ખ્યાલ આવે...