ગુજરાતમાં ભૂમિગત જળ સ્તર ઉડું જઈ રહ્યું છે, જે મોટી ચિંતાનો વિષય બન્યો છે. તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં તો ભૂગર્ભ જળ સ્તર સતત ઉડું જઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે પશુપાલન અને ખેતીવાડી પર નભી રહ્યો છે. જિલ્લા છેલ્લા કેટલાક વર્ષોથી જળ સંચય, સંરક્ષણ અને જનજાગૃતિ અંગે બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ અનેક વખત બનાસકાંઠાના ખેડૂતો સમક્ષ વ્યક્ત કરી હતી. આ જ કારણે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 50માં જન્મદિને 3 ડિસેમ્બર 2020ના રોજ સમગ્ર બનાસકાંઠામાં જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તમામ તાલુકાઓમાં બનાસડેરીના સ્થાનિક ડિરેક્ટરો, ગામના આગેવાનો અને સહયોગી શ્રેષ્ઠીઓના વરદ હસ્તે “બનાસ જળશક્તિ અભિયાન” નો પ્રારંભ થતાં આડબંધ, પાળા કે ચેકડેમના બાંધકામના ખાતમુહુર્ત પણ યોજાયા હતા.
ચેરમેન શંકરભાઈ ચૌધરી શરૂ કરાવ્યું અભિયાન
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ “ખેતરનું પાણી ખેતરમાં”, “સીમનું પાણી સીમમાં” અને “ગામનું પાણી ગામમાં” રહે એવા ઉમદા વિચારો સાથે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને હાકલ કરતા ગુરુવારે સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાં “બનાસ જળશક્તિ અભિયાન” નો શુભારંભ કરાવ્યો હતો. આજે ત્રણ વર્ષ બાદ જિલ્લાના જેસોર વિસ્તાર અને રાણીટૂંક વિસ્તારના કુદરતી અને માનવનિર્મિત તળાવો, હડમતિયા ડેમ, સાતસણ ગામામાં ભૂરા બાપજી તળાવ, જેસોર રેન્જમાં તળાવો, કરમાવદની ચેરમેન શંકર ચૌધરીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શંકર ચૌધરીએ ખેડૂતો અને પશુપાલકોની વેદના સાંભળી હતી. ત્યાર બાદ તેમણે G.N.P.C. TRUST સૌજન્યથી જળસંચય કામગીરીની શરૂઆત કરવા અને બનાસકાંઠાને હરિયાળો અને પાણીદાર બનાવવાનો સંકલ્પ લીધો હતો.
16 તાલુકામાં શુભારંભ
બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકા મથકોએ વરસાદી પાણીને રોકવા માટેના આડબંધ, પાળા, ચેકડેમ કે તળાવ બનાવવા માટેના શ્રીગણેશ થતાં “બનાસ જળશક્તિ અભિયાન” થકી સમગ્ર જિલ્લામાં મોટાપાયે જળસંચયના કામો થશે. પ્રાથમિક તબક્કે બનાસ ડેરી સાથે સંયોજિત એવી 802 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ 1700 જેટલા જળસંચય માટેના કામોની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. જેના ભાગરૂપે તમામ તાલુકાઓમાં બનાસડેરીના સ્થાનિક ડિરેક્ટરો, ગામના આગેવાનો અને સહયોગી શ્રેષ્ઠીઓના વરદ હસ્તે “બનાસ જળશક્તિ અભિયાન” નો પ્રારંભ થતાં આડબંધ, પાળા કે ચેકડેમના બાંધકામના ખાતમુહુર્ત પણ યોજાયા હતા.
અમૃત સરોવર યોજના હેઠળ 28 નવીન સરોવર
બનાસ ડેરી ટ્રસ્ટ દ્વારા સો ટકા લોકભાગીદારી અને આધુનિક મશનરી અને વાહનો દ્વારા જિલ્લામાં 25. 98 લાખ સીએમટી માટીકામથી લગભગ અમૃત સરોવર યોજના હેઠળ 28 નવીન અમૃત સરોવરનું તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સરોવર સંપૂર્ણ સો ટકા સ્થાનિક લોકોના ફંડથી નિર્માણ કરાયા છે.
સુજલામ સુફલામ્ જળ અભિયાન હેઠળ 127 તળાવ
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં જિલ્લામાં જળ સંકટ નિવારવા તળાવો ઉંડા તથા નવીન તળાવો બનાવવાનું ભગીરથ અભિયાનના ભાગ રૂપે ગત વર્ષે 66 તળાવ અને ચાલુ વર્ષે 61 તળાવ એમ કુલ 127 તળાવ સુજલામ સુફલામ્ જળ અભિયાનમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત સરકારના 60% બનાસડેરીની 20% , લોકભાગીદારીથી દૂધ ઉત્પાદકો,ખેડૂતો,દૂધ મંડળીઓ અને દાતાઓ પાસેથી 20% લોકફાળો-હિસ્સાથી જળસંચય કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જળ સંચય અને સંગ્રહ વધશે
બનાસ જળ શક્તિ અભિયાન 21-23 હેઠળ અત્યાર સુધીમાં બનાસ કાંઠામાં લગભગ 57.07 લાખ સીએમટી અર્થ વર્ક થયું છે. જેના કારણે જળ સંગ્રહ ક્ષમતામાં લગભગ 201.5 MCFT/ 1350 કરોડ લિટરથી પણ વધુ પાણીનો જળસંગ્રહ, જળસંચયમાં વધારો થશે. જેનો પરોક્ષ લાભ ભૂગર્ભ જળ સ્તર ઉંચુ આવશે જેનો ઉપયોગ પશુપાલન અને ખેતીમાં સિંચાઈ માટે થઈ શકશે.
PM મોદીએ પણ કરી છે પ્રશંસા
બનાસડેરીના આ જળ સંગ્રહ અભિયાનની પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં બનાસ જળ શક્તિ અભિયાનની મુક્તમને વખાણ કર્યા હતા, અને ડેરીની કામગીરીને બિરદાવી હતી. બનાસ ડેરી, ગામની દૂધ મંડળી અને ગામના શ્રેષ્ઠી દાનવીરોના સહયોગ થકી લોકભાગીદારીથી યોજાનાર “બનાસ જળશક્તિ અભિયાન” ને સમગ્ર જિલ્લામાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.