અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સવારે 8 થી રાત્રીના 10 વાગ્યા સુધી ટ્રાવેલ્સને પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી બસોને સવારે 8 થી રાત્રીનાં 10 વાગ્યા સુધી ફરમાવેલા પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અને ધંધા-રોજગારનાં અધિકારનો ઉલ્લેખ કરી જાહેરનામું રદ્દ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બાબતે હાઈકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું કહ્યું હતું અને અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો.
પોલીસ કમિશનરના જાહેરનામાને પડકાર્યું હતું
પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં આપવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેર નામાને હાઇકોર્ટે લીલીઝંડી આપી હતી. શહેરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું.
DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે કરી હતી બેઠક
અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર થયો છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સંચાલકોએ પણ ચીમકી ઉચ્ચારી
અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગ ઉઠાવી છે. એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. જે બાબતે ટ્રાવેલ્સ એજન્સીઓનાં સંચાલકો દ્વારા પણ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે. તેવી ચીમકી થોડા સમય અગાઉ ઉચ્ચારી હતી.