તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી
રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.ગુજરાતમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ જ્યારે પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. છે. રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારમાં શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, જાફરાબાદ, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના, અરવલ્લી, બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફો઼ડી બની છે.
રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો સર્જાયા
રાજકોટનાં માલિયાસણ ઓરબ્રિજ પર તો મનાલી જેવો માહોલ છવાયો છે. આ બ્રિજ પર કરાના વરસાદને કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ બ્રિજ પર આવીને આવા વાતાવરણની મઝા માણી રહ્યા છે.
ખેડૂતોની દશા માઠી
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે. વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.