બાબા બાગેશ્વર ધામના બાગેશ્વર ધામના પીઠાધિશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું આજે ગુજરાતમાં આગમન થશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે આવવાના છે. જેને લઈને અંબાજીમાં તેમના આગમનની તડામાર તૈયારીઓ પુરી થઈ ગઈ છે. નવરાત્રીના શરૂઆતે તારીખ 15, 16 અને 17 તારીખે 3 દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે. આજથી ત્રણ દિવસ બાબા બાગેશ્વર ગુજરાતમાં છે. અંબાજીમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને હનુમાન કથા યોજાશે.
અંબાજીમાં તૈયાર કરાયો ડોમ
અંબાજી ખાતે ત્રણ દિવસ બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામા આવી હતી. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમાન કથા માટે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ પણ બનાવવામા આવ્યો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે 15 તારીખે દીપ પ્રાગટ્ય અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. આ કથા સાંજ ના 4 વાગ્યાથી પ્રારંભ થશે.
આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આ ત્રિ-દિવસીય હનુમાન કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત ગુજરાતના અનેક નેતાઓ સાથે સાધુ અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. નવરાત્રીના બીજા દિવસે 16 તારીખે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે. તો નવરાત્રીના ત્રીજા દિવસે 17 તારીખે હનુમાન કથા અને પૂર્ણાહુતી કરવામાં આવશે. આ કથાના કાર્યક્રમ દરમિયાન બેથી ત્રણ લાખ લોકો આવે તેવું આયોજન અંબાજી જીએમડીસી મેદાનમાં હાથ ધરાયુ છે.