તમે જ્યારે ન્યુઝ ચેનલ જોતા હશો કે પછી પેપર જોતા હશો ત્યાં અયોધ્યાને લગતા, પ્રાણ પ્રતિષ્ઠાને લગતા સમાચારો જોવા મળતા હશે. અયોધ્યામાં કેવી રીતે આ પ્રસંગને લઈ તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે અવધનગરને શણગારવામાં આવ્યું છે તે જાણવામાં તમને રૂચી હશે. રામ મંદિરને લઈ અનેક વખત રાજકીય પાર્ટીઓ આને લઈ સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે. આ બધા વચ્ચે VHPના અંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે આ સમારોહના નિમંત્રણ પર કોઈ રાજનીતિ નથી થઈ રહી.
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
ભગવાન રામના ભક્તો જે ક્ષણની પ્રતિક્ષા છેલ્લા અનેક વર્ષોથી કરતા હતા તે ક્ષણ 22 જાન્યુઆરી 2024એ આવવાની છે. ભગવાન રામની મૂર્તિ ભવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે. અનેક વર્ષોના સંઘર્ષ બાદ આ ઘડી આવી છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે. એક તરફ આ અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પર રામના નામે રાજનીતિ કરવાના આરોપો જાણે વિપક્ષી નેતાઓ લગાવી રહ્યા છે. અનેક એવા નિવેદનો સામે આવ્યા છે. આ બધા વચ્ચે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટેનું નિમંત્રણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
VHPએ આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવમાં સામેલ થશે કે નહીં તે અંગેની માહિતી આપવામાં નથી આવી. આ સમારોહમાં તેઓ આવશે કે નહીં તે અંગે અસમંજસ છે અને આ બધે વચ્ચે વીએચપીની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આલોક કુમારે જણાવ્યું છે કે જો આના પર કોઈ રાજનીતિ થઈ રહી હોત તો શું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવ્યા હોત? હું ખડગેજીને અંગત રીતે આમંત્રણ આપવા ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે VHP ટ્રસ્ટના અધિકારી અધીર રંજન અને રામ મંદિર પેનલના વડા નૃપેન્દ્ર મિશ્રા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા ગયા હતા. કુમારે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બધા લોકો અભિષેક સમારોહમાં આવે.