ભગવાન રામના ભક્તો માટે એ ક્ષણ ખૂબ આનંદનો હશે જ્યારે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરી પહેલા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે અંગેની માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ થઈ જશે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે પહેલા 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને લઈ શોભાયાત્રા નીકળશે.
પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજથી શરૂ થયા અનુષ્ઠાન
અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની પૂજાની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે.
પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર હશે ગર્ભગૃહમાં
ગર્ભગૃહમાં અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી તે અનુષ્ઠાન ચાલશે. 22 તારીખે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે. પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે.
આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ
જો કાર્યક્રમ અંગેની વાત કરીએ તો ૧૬મી જાન્યુઆરીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન સહિતની વિધી કરવામાં આવશે. ૧૭મી જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ સરયૂ નદીનું જળ મંદિરે પહોંચશે. ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન ૧૮મીના રોજ કરવામાં આવશે. અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન ૧૯મી જાન્યુઆરીએ કરાશે. ૨૦મી જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂ નદીના જળથી સ્વચ્છ કરવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ એટલે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે ૧૨૫ કળશથી મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ગર્ભગૃહમાં મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને સ્થાપિત કરાશે.