છેલ્લા થોડા સમયથી અયોધ્યા રામ મંદિરને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. અનેક દાયકો બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. એ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે પણ અનેક ભક્તોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા. અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે પ્રથમ દિવસે 3 કરોડથી વધારે દાન મંદિરમાં કરવામાં આવ્યું છે. બે દિવસમાં અંદાજીત 7થી 8 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

દર્શન કરવા માટે ભક્તોનું ઉમટ્યું માનવમહેરામણ
ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો તમને કહેતા મળશે કે રામ રામ. 22 જાન્યુઆરી 2024 ભક્તો માટે મહત્વની છે કે તે દિવસે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દસકો બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. 22 જાન્યુઆરીએ આમંત્રિતો જ મંદિર પરિસરમાં ઉપસ્થિત હતા. ભક્તો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા.
3 કરોડથી વધારેનું દાન ભક્તોએ કર્યું!
જો દર્શનાર્થીઓની વાત કરીએ તો પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને જોતા વધારે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા તેવી માહિતી સામે આવી હતી. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.