મંગળવારે સિક્કિમના ગંગટોકમાં હિમસ્ખલન થયા હોવાની ઘટના સામે આવી છે. સિક્કિમના પર્યટક સ્થળે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો આ હિમસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મરનારમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ હોઈ શકે છે.
150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાની આશંકા
અનેક વખત હિમસ્ખલન થવાના સમાચાર આવતા હોય છે. ત્યારે હિમસ્ખલનની ઘટના સિક્કિમના ગંગોટકથી સામે આવી છે. સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ગંગોટકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરૂ માર્ગ પર આ દુર્ઘટના બની છે. મંગળવાર બપોરે હિમસ્ખલન થતા 6 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. આ ઘટના 12.20 વાગ્યાની આસપાસ બની હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે.
આ અગાઉ પણ બની છે હિમસ્ખલનની ઘટના
મહત્વનું છે કે અનેક વખત હિમસ્ખલન થવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જાન્યુઆરી 2022માં હિમસ્ખલન થયું હતું. તિબેટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. ઉપરાંત નવેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીરમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો હિમસ્ખલનનો શિકાર બન્યા હતા. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી પરંતુ 3 લોકોના મોત થઈ ગયા હતા. તે સિવાય ફેબ્રુઆરી 2022માં પણ હિમપ્રપાતને કારણે સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં 7 જેટલા જવાનોના મોત થઈ ગયા હતા.