માનવના જીવનમાં માતા અને માતૃભાષા સૌથી અગત્યની માનવામાં આવે છે. એ મા જેણે આપણને જીવન આપ્યું અને એ માતૃભાષા જેણે આપણને સંવાદનું માધ્યમ આપ્યું. ભાષાના માધ્યમથી આપણે આપણા વિચારો, આપણી ભાવનાઓ, આપણો રોષ પ્રગટ કરી શકીએ છીએ. આપણા જીવનમાં માતૃભાષાનું ઘણું મહત્વ રહેલું છે. માતૃભાષાનું મહત્વ સમજાવવા માટે જાણીતા સાહિત્યકારે લખ્યું છે કે માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. બાળકના વિચારોમાં, બાળકની કલ્પનામાં એની માતૃભાષાની ઝલક જોવા મળતી હોય છે.
દર વર્ષે થાય છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી
આજે ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. એ ભાષા જે ગુજરાતીઓ બોલતા હોય છે. દર વર્ષ 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતી ભાષાના આદ્ય ગણાતા કવિ નર્મદની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્યને, ગુજરાતી ભાષાને આગળ વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં કવિ નર્મદે વિશેષ ભૂમિકા ભજવી છે. તેમનું સાહિત્ય, તેમના દ્વારા લખવામાં આવેલા ગીતો આજે પણ લોકોના મુખે સાંભળવા મળે છે. કવિ નર્મદ દ્વારા રચવામાં આવેલી રચનાઓ શ્રેષ્ઠ છે પરંતુ તેમની સૌથી વધારે પ્રચલિત રચના કોઈને પૂછવામાં આવે તો તે કહેશે - જય જય ગરવી ગુજરાત... દીપે અરુણું પ્રભાત જય! જય! ગરવી ગુજરાત!
આજની પેઢી ગુજરાતી ભાષાને સમજે તે માટે કરાય છે ઉજવણી
દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે જેનો હેતુ છે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે. કારણ કે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિ, આપણી માતૃભાષાને પાછળ છોડી રહ્યા છીએ. ગુજરાતમાં રહેતી નવી પેઢીને તો લગભગ કક્કો પણ નહીં આવડતો હોય. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં જો બાળકોની સામે માતા પિતા ગુજરાતીમાં વાત કરતા હોય તો તેંમને ખરાબ લાગે છે. તેમના મનમાં એવી વાતો ફરવા લાગે છે કે તેમના માતા પિતા ફોરવડ નથી. મહત્વનું છે કે બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ થાય, બાળકો પોતાની ભાષાને જાણતા થાય તે માટે દર વર્ષે કવિ નર્મદની જન્મ જયંતી પર વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આવો ત્યારે વાંચીએ કવિ નર્મદની શ્રેષ્ઠ રચનાઓ વિશે, જેને વાંચીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગુજરાતી હોવા પર ગર્વ થઈ જશે.
'મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી,
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે'
- કવિ વીર નર્મદ
2.
સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ…
સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ…
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,
યા હોમ.. સહુ ચલો.. યા હોમ…
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ…
3.
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.