ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુ:સાહસી ઘટનાને કારણે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. યુપી પોલીસે આ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. અતીકને બી વોરંટ પર પ્રયાગરાજ લાવવા માટે યુપી પોલીસે સુપ્રીમ કોર્ટને તેની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.
સાબરમતી જેલમાં મોકલવાની સુપ્રીમે આપી હતી મંજુરી
દેવરિયા જેલકાંડ કેસમાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ પર જ ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ચાર કલાક સુધી નૈની જેલમાં રાખ્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં તેને કોર્ટની પરવાનગી બાદ જ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે અતીકની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ ગાઈડલાઈન પણ આપી હતી.
પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
માફિયા અતીક અને તેના ભાઈની હત્યા બાદ યુપી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સારી હોવાના દાવાઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણઆંગળી ચીંધવામાં આવી રહી છે. માફિયા અતીક અને તેના ભાઈની પોલીસ કસ્ટડીમાં જ જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોઈને બધા ચોંકી ગયા છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગયા મહિને જ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. ત્યારે પણ પોલીસની ભારે બેઈજ્જતી થઈ હતી.
17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પ્રયાગરાજ હત્યાકાંડથી નારાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્ષણે ક્ષણના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ હત્યા કેસમાં મોડી રાત્રે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.