ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે થનારા મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણને લઈ તમામ ઉમેદવારો અને પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી પરંતુ મોરબીમાં બનેલી હોનારતને લઈ કોઈએ પણ ચર્ચા નથી કરી. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈ સ્થાનિકોએ ભાજપ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પૂર્વે મોરબીમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત નહીં.
મોરબીમાં ભાજપ વિરૂદ્ધ લાગ્યા બેનર
આવતી કાલથી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મોરબીની ત્રણ બેઠકો માટે પણ આવતી કાલે મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ હવે મોરબીના સ્થાનિકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. ભાજપે કાંતીલાલ અમૃતીયાને મોરબીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ બનેર લાગ્યા છે અને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત ન આપવાની વાત કહી છે. આ પ્રકારના બેનર લાગતા ભાજપ અને કાંતિલાલ અમૃતિયાની ચિંતામાં વધારો થયો છે.
અમુક લોકો મતદારોને ભમ્રિત કરી રહ્યા છે - કાંતિલાલ અમૃતીયા
ભાજપના ઉમેદવારે આ અંગે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનારા દિવસોમાં રામરાજ લાવું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મોરબી હોનારતમાં અનેક લોકોના થયા હતા મોત
દિવાળીના તહેવાર દરમિયાન મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અંદાજીત 130થી વધુ લોકોના મોત થયા હતા. કાર્યવાહીના ભાગ રૂપે તંત્રે નાના માણસોને સકંજામાં લીધા પરંતુ આ ઘટનામાં મોટા માથાઓ પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકોને ન્યાય ન મળતા લોકોમાં મોરબી દુર્ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.