અયોધ્યા આ નામ સાંભળતા જ આપણી આગળ ભગવાન રામની મનોહર પ્રતિમાની ઝાંખી આવી જાય. 22 જાન્યુઆરીએ અનેક ભક્તો માટે અનેરો ક્ષણ હતો જ્યારે રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા હતા. સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવું લાગતું હતું. કરોડો ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. જ્યારથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે ત્યારથી અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે.
આસ્થા સ્પેશ્યલ ટ્રેનની કરાઈ શરૂઆત
દેશના વિવિધ રાજ્યોથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ શકે તે માટે સાબરમતીથી અયોધ્યા સુધીની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 1400 જેટલા શ્રદ્ધાળુઓ છે જે ભગવાન રામના દર્શન કરશે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓની યાત્રા મંગળમય રહે તેવી શુભેચ્છા ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે.
ભગવાન રામ છે અનેક ભક્તોના ઈષ્ટ!
મહત્વનું છે કે અનેક દાયકાઓ બાદ ભગવાન રામના મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. અનેક સંઘર્ષો બાદ એ ક્ષણ આવ્યો હતો જે ક્ષણના સાક્ષી આપણે લોકો બન્યા હતા. ભગવાન રામની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અનેક લોકોની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.