ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સનમાં આવ્યા છે. ભાજપ વિરોધી માહોલ હોવાથી પીએમ મોદી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોદી એક માત્ર તારણહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
PM મોદી 6 નવેમ્બરે વલસાડની મુલાકાતે
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડની મુલાકાતે આવશે. તેઓ કપરાડાના નાનામોંઢામાં ચૂંટણી પ્રચાર કરશે. નાના મોંઢામાં યોજાનારી જનસભાને સંબોધશે. આદીવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી કપરાડા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. પીએમ મોદી આદીવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં જંગી રેલીને સંબોધશે.
કપરાડા બેઠક પર ત્રિપાંખિયો જંગ
કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપમાં ત્રણ દાવેદારો મેદાનમાં છે. કપરાડાના વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરી છે, જે હાલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેમની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત, ગુલાબ રાઉત, અને પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ છે આ કપરાડા બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે?.